Tuesday, January 31, 2012

મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે.


મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે.


ખુલ્‍લા અવકાશમાં તો જાણે મીણબત્તી સળગે જ નહિ, કારણ કે હવા વગર સૌ પહેલાં ખુદ દીવાસળી પેટે નહિ. આમ છતાં મીણબત્તી કુત્રિમ વાતાવરણના સ્‍પેસ શટલમાં કે સ્‍પેસ સ્‍ટેશનમાં છે એવું ધારી લઇએ. માની લો કે એ વાતાવરણમાં વળી દહન માટે પૂરતો ઑક્સિજન પણ છે. વૈજ્ઞાનિક રીતે સાચો જવાબ ટૂંકમાં આટલો છે : દિવાસળી ચોક્કસ સળગે. મીણબત્તીની વાટ પર તેને એકદમ જલદી ચાંપી દો તો વાટ પણ સળગે, પરંતુ ત્‍યાર પછી એ જ્યોત એકધારી સળગતી રહી શકે નહિ. સ્‍પેસ શટલના કે સ્‍પેસ સ્‍ટેશનના વાતાવરણમાં ભરપૂર ઓક્સિજન હોય તો પણ નહિ. પ્રાણવાયુ હોવા છતાં જ્યોત ઠરવાનું કારણ એ કે અંતરિક્ષમાં ગુરુત્‍વાકર્ષણ નથી. ધરતી પર મીણબત્તી સળગાવો ત્‍યારે તેની જ્યોત આસપાસની હવાને ગરમ કરે છે. હલકી ગરમ હવા ઊંચે ચડે છે. જ્યોતને પણ એ પોતાની સાથે ઊંચે લેતી જાય છે. દરમ્‍યાન નીચે ખાલી પડતી જગ્‍યાને પૂરવા માટે તાજી અને ભારે હવા વાટ તરફ જાય એ પણ દેખીતી વાત છે. આમ નવા પ્રાણવાયુનો સતત મળ્યા કરતો સપ્‍લાય મીણબત્તીને સળગતી રાખે છે.
પરંતુ અંતરીક્ષમાં જ્યાં ગુરુત્‍વાકર્ષણ ન હોય ત્‍યાં હલકું વજન શું ને ભારે વજન શું ? માટે ઠંડી હવા લેશમાત્ર ભારે હોય નહિ. એ જ રીતે જ્યોતને લીધે ગરમ થયેલી ચોતરફી હવા સહેજ પણ હલકી બનતી નથી. ઊંચે પણ ચડતી નથી. પરિણામે ઑક્સિજન ધરાવતી બીજી હવાને તે લગીરે જગ્‍યા કરી ન આપે, જ્યારે ખુદ એ હવામાં તો થોડી વાર પછી બિલકુલ ઑક્સિજન હોય નહિ. છેવટે મીણબત્તી ગૂલ !

No comments:

Post a Comment