ભૂખ લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું ?
જાણે આદત પડી હોય એ રીતે આપણે રોજ બે ટંક જમી લઇએ છીએ. કેમ કે આપણને ભૂખ લાગે છે. પરંતુ ભૂખ શા માટે લાગે છે ? એવો પ્રશ્ર તમારા મનમાં કદી જાગ્યો છે ખરો ? ભૂખ લાગવા પાછળ પણ એક ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે.
ભૂખ લાગી છે, એવા પ્રકારનો સંદેશો આપણું શરીર આપણા મગજને મોકલતું હોય છે. આવા સંદેશાનો અર્થ એ કે પોષણયુકત પદાર્થોનું પ્રમાણ આપણા શરીરમાં ફરતા લોહીમાં ઘટી ગયું છે અને તેને આવા વધુ પદાર્થોની જરૂર છે. હવે આ કેવી રીતે બને છે તે જોઇએ.
આપણા શરીરમાં પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન થતું રહેતું હોય છે. જેથી શરીરના તમામ અવયવોને લોહી દ્વારા શકિત મળતી રહે. તેમાં સમતુલા જળવાય એ શરીરને ટકાવી રાખવા માટે જરૂરી છે. તેનો અર્થ એ કે બળતણરૂપે લેવાતા ખોરાક અને તેના વપરાશની સમતુલા જળવાવી જોઇએ અને તેનું બરાબર નિયંત્રણ પણ થવું જોઇએ. આ નિયંત્રણ ખોરવાઇ ન જાય એટલા માટે તરસ અને ભૂખ લાગે છે.
આપણા મગજમાં ભૂખનું કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્ર આપણા આંતરડા અને પેટની પ્રવૃતિ પર બ્રેકનું કામ કરે છે. મતલબ કે જયારે આપણા લોહીમાં પૂરતા પ્રમાણમાં પોષક પદાર્થો ભળેલા હોય ત્યારે મગજમાં આવેલું આ ભૂખનું કેન્દ્ર પેટ અને આંતરડાની પ્રવૃતિને થંભાવી દે છે. પરંતુ જો લોહીમાં આ પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટી જાય મગજમાં આવેલું ભૂખનું કેન્દ્ર પેટ તથા આંતરડાની પ્રવૃતિને પાછી ચાલુ કરી દે છે ! આ કારણે જ જયારે આપણને કકડીને ભૂખ લાગે ત્યારે પેટમાંથી ગડગડાટીનો અવાજ આવે છે.
આમ છતાં તમને જાણીને નવાઇ લાગશે કે ખાલી પેટ સાથે ભૂખને કશો સીધો સંબંધ નથી. કોઇ વ્યકિતને તાવ આવ્યો હોય તો તેનું પેટ ખાલી હોવા છતાં તેને ભૂખ નહીં લાગે, કેમ કે એ વખતે શરીરમાં સંઘરાયેલાં પ્રોટીનના અનામત જથ્થામાંથી તેને પોષણ મળતું હોય છે.
ભૂખ દ્વારા આપણા શરીરની બળતણ માટેની જરૂરિયાત વ્યકત થાય છે. કોઇપણ પ્રકારનું બળતણ વિજ્ઞાન કહે છે ખૂબ જ ભૂખી વ્યકિત કોઇપણ પ્રકારનો ખોરાક ખાઇ જતી હોય છે. કયારેક તો તે સામાન્ય સંજોગોમાં ન ખાવા યોગ્ય ખોરાક હોય તોપણ કઠોર સંજોગોની ફરજ પડે તો શાકાહારી માનવી માંસાહાર કરવા માંડે એટલું જ નહીં, બલકે તેની જિજીવિષા એવી તો પ્રબળ થઇ જાય કે તે માનવીનું માંસ પણ ખાવા લાગે. જોકે આવા કઠોર સંજોગો આપણા રોંજીદા જીવનમાં ઊભા થતા નથી અને એટલા માટે જ આપણે અવનવી વાનગીઓવાળો ખોરાક પસંદ કરવાની મનોવૃતિ ધરાવીએ છીએ. દાખલા તરીકે જયારે કોઇ વ્યકિત જમવા બેસે ત્યારે પહેલાં તે સૂપ લેશે. પછી તે દાળભાત કે શાકભાજી અને રોટલી લેશે અને તેનાથી પેટ ભરાવા લાગે ત્યારે છેલ્લે ફળો કે મિષ્ટાન્ન લેશે. પરંતુ આટલું જ પોષણ લેવા માટે તે માત્ર બટેટાં ખાઇને સંતોષ માનશે નહીં. કયું પ્રાણી કેટલો વખત સુધી ખોરાક વિના ચલાવી શકે તેનો આધાર તેના શરીરમાં ચાલતી પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન કરવાની પ્રક્રિયા પર છે. ગરમ લોહીવાળાં પ્રાણીઓમાં પ્રક્રિયા ઝડપી હોય છે એથી તેઓ વધુ ઝડપે ખોરાકનો જથ્થો વાપરી નાંખે છે.