Tuesday, January 31, 2012

ક્વાર્ટઝ એટલે શું ?


ક્વાર્ટઝ એટલે શું ?

સિમ્‍પલ ગુજરાતીમાં કવાર્ટઝ એટલે સ્‍ફટિક કે જે ચોક્કસ જાતના ખનિજ પથ્‍થર છે. આધુનિક ભીંત ઘડિયાળમાં અને કાંડા ઘડિયાળમાં વપરાતા કવાર્ટઝ બહુ ખૂબીભર્યા હોય છે. પાઇઝોઇલેક્ટ્રિક તરીકે ઓળખાતા ક્વાર્ટઝનું અજાયબ કૌતુક એ કે તેને વીજળીનો સપ્‍લાય આપો ત્‍યારે તે કંપવા લાગે છે અને કંપસંખ્‍યા હોય સેકન્‍ડના ૩૨,૭૬૮ ધ્રુજારી જેટલી ! એકાદ કંપારી પણ વધુ નહિ તેમ એકાદ કંપારી ઓછી પણ નહિ ! આ તેના ધ્રુજવાનો કુદરતી ‘રેટ‘ છે.
માનવજાતના સદ્દભાગ્‍યે ૩૨,૭૬૮ કંપારીઓ સમય માપવામાં આબાદ રીતે મદદરૂપ થાય છે. કવાર્ટઝ રીસ્‍ટ વૉચમાં અથવા કલોકમાં બેટરીનો વીજસપ્‍લાય ટચૂકડા કવાર્ટઝને ધ્રુજાવે એટલે ડિવાઈડર સરકીટ કહેવાતી વીજાણુ ચિપ ૩૨,૭૬૮ના આંકડાને વારાફરતી બે વડે કુલ ૧૬ વખત ભાગાકાર કરે છે. પરિણામે જવાબ ૧ મળે છે. ઘડિયાળમાં એ રીતે ૧ સેકન્‍ડ નોંધાય છે, જેના આધારે ડ્રાઇવિંગ સરકીટ નામની ચિપ ડિજિટલ વૉચમાં ડિસ્‍પ્‍લેમાં ૧ નો ફિગર ચમકાવે છે.
માનો કે ઘડિયાળ ડિજિટલ નથી, તો શું બને ? ડિજિટને બદલે કાંટા વડે સમય બતાવતી ઘડિયાળમાં ડ્રાઇવિંગ સરકીટને બદલે માઇક્રોસ્‍ટેપ મોટર હોય છે. આ મોટર હવે સેકન્‍ડના કાંટાને ૧ સ્‍ટેપ જેટલો ખસેડે છે.
આ સમય બતાવવામાં કવાર્ટઝ ઘડિયાળ માટે જ બહુ સચોટ ગણાય છે. દર વખતે ૧ સેકન્‍ડનો આંકડો જેના આધારે તારવવામાં આવે તે ૩૨,૭૬૮ની કંપસંખ્‍યા (ફ્રિકવન્‍સી) કદી બદલાતી નથી—અને બદલાય તો પણ હજારોના તે આંકડામાં બે-પાંચનો ફરક પડ્યા બાદ ૧ના આખરી જવાબમાં તો શો તફાવત પડવાનો હતો ?

No comments:

Post a Comment